મહામહિમ દ્રૌપદી મુર્મુ દેશનાં સર્વપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના ૧૫માં રાટ્રપતિ. | Draupadi Murmu: Life, Education, Career and Early History of India’s First Tribal Woman and 15th President of Independent India.

By | August 10, 2022

 

સ્વતંત્ર ભારતમાં જન્મેલા દ્રૌપદી મુર્મુ દેશનાં સર્વપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ.


Draupadi Murmu: Life, Education, Career and Early History of India’s First Tribal Woman and 15th President of Independent India.

દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ ૬૪ ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે. રિટર્નિંગ ઓફિસર પી.સી. મોદીએ સાંસદો અને ધારાસભ્યોના કુલ ૬,૭૬,૮૦૩ મતો સાથે મુર્મુને વિજેતા જાહેર કર્યા હતા. યશવંત સિંહાને ૩,૮૦,૧૭૭ મત મળ્યા હતા. શ્રીમુર્મુએ ૨૫મી જુલાઈએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઉત્તરાધિકારી તરીકે ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુએ ત્રીજા તબક્કામાં કુલ મતોમાંથી ૫૩ ટકા મત મેળવ્યા ત્યારે જ તેમનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. તે સમયે ૧૦ રાજ્યોમાં મત ગણતરી ચાલુ હતી.

દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે રાષ્ટ્રપતિપદે ચૂંટાવાની સાથે મુર્મુએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. સ્વતંત્રતા પછી જન્મેલા ૬૪ વર્ષીય દ્રૌપદી મુર્મુ દેશના ટોચના પદે પહોંચનાર સૌપ્રથમ નેતા છે. વધુમાં મુર્મુ દેશના સૌથી યુવાન રાષ્ટ્રપતિ છે. આંધ્ર પ્રદેશમાંથી બધા જ ધારાસભ્યોએ મુર્મુને જ્યારે કેરળના બધા જ ધારાસભ્યોએ યશવંત સિંહાને મત આપ્યા હતા. વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા હતા. 

આ સિવાય વિરોધ પક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના બધા જ નેતાઓએ મુર્મુને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમના વિજય સાથે આખા દેશમાં ઊજવણી કરાઈ હતી. 

દ્રૌપદી મુર્મુના વિજયની જાહેરાત થતાં વડાપ્રધાન મોદી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમને અભિનંદન આપવા તેમના ઘરે ગયા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભારતે ઈતિહાસ રચી દીધો છે. ૧૩૦ કરોડ ભારતીય વસતી આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહી છે તેવા સમયે પૂર્વીય ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં એક આદિવાસી સમાજમાં જન્મેલી ભારતની પુત્રી રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યાં છે. આ સિદ્ધિ બદલ શ્રીમતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન.

યશવંત સિંહાએ મુર્મુને અભિનંદન આપતા કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૨૨માં દ્રૌપદી મુર્મુને વિજય માટે અભિનંદન પાઠવું છું. દેશને આશા છે કે ગણતંત્રના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોઈપણ ભય અથવા પક્ષપાત વિના બંધારણના સંરક્ષક તરીકે કામ કરશે. રાજનાથ સિંહે કહ્યું દ્રૌપદી મુર્મુ ગામ, ગરીબ, વંચિતોના લોકકલ્યાણ માટે સક્રિય રહ્યાં છે. આ ભારતીય લોકતંત્રની તાકત છે કે તેઓ આજે તેમનાં વચ્ચેથી નીકળીને સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા છે.

દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરના મહુલડીહામાં લોકોએ ઢોલ, નગારાની ધૂન પર પારંપરિક વેશભૂષામાં નાચ-ગાન કરી તેમના વિજયની ઊજવણી કરી હતી. દેશના ૧૫મા રાષ્ટ્રપતિ માટે ૧૮મી જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં મતદાર યાદીમાં સામેલ ૪,૭૯૬ સાંસદો અને ધારાસભ્યોમાંથી ૯૯ ટકાએ મતદાન કર્યું હતું. અનેક રાજ્યોમાં વિપક્ષના ધારાસભ્યોએ પક્ષની લાઈનથી અલગ મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે પાંચ સાંસદોના મત ગેરલાયક ઠર્યા હતા. આ ચૂંટણીમાં આઠ સાંસદો ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં જ અનેક પ્રાદેશિક પક્ષોના સમર્થનના પગલે દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત મનાતો હતો.

દ્રૌપદી મુર્મુએ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા:

History of India's First Tribal Woman and 15th President of Independent India

દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ, 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. સંસદના સેન્ટ્રલ હોલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાએ તેમને શપથ લેવડાવ્યા હતા. ભારતના નિવૃત્ત રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ શપથગ્રહણની શરૂઆતના થોડા સમય પહેલા જ એક ઔપચારિક સરઘસમાં સંસદમાં પહોંચ્યા હતા.

તેમના સંબોધનમાં, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો. વિશ્વની સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ સંબોધનમાં, તેણીએ કહ્યું, “હું સ્વતંત્ર ભારતમાં જન્મેલ દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે જે અપેક્ષાઓ હતી તેને પૂર્ણ કરવા માટે આપણે આપણા પ્રયાસોને વેગ આપવા પડશે.”

જાણો દ્રૌપદી મુર્મૂની રાજકીય સફર વિશે

રાજકારણમાં જોડાયા તે પહેલા દ્રૌપદી મુર્મૂએ એક શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1979થી 1983 દરમિયાન તેમણે સિંચાઈ અને વીજ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ 1994થી 1997 દરમિયાન તેમણે ઓનરરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કર્યું હતું. 

1997માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને તેઓ ઓડિશાના રાઈરાંગપુર જિલ્લા ખાતે કાઉન્સેલર તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. 2000ના વર્ષમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. રાઈરાંગપુર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમને બીજદ અને ભાજપના ગઠબંધનવાળી સરકારમાં સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

2002ના વર્ષમાં તેમને ઓડિશા સરકારમાં મત્સ્ય અને પશુપાલન વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2006માં તેમને ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009ના વર્ષમાં તેઓ રાઈરાંગપુર વિધાનસભા બેઠક પર બીજી વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ 2009માં તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તેમાં હાર મળી હતી. 2015માં દ્રૌપદીને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને 2021 સુધી તેમણે રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.

 

દ્રૌપદી મુર્મુ: ઝારખંડના રાજ્યપાલ તરીકેની સેવા

દ્રૌપદી મુર્મુએ 18 મે, 2015 ના રોજ ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધા અને ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. ભારતીય રાજ્યના ગવર્નર તરીકે નિયુક્ત થનારી તે ઓડિશાની પ્રથમ મહિલા આદિવાસી નેતા હતી.

2017માં ઝારખંડના ગવર્નર તરીકે દ્રૌપદી મુર્મુએ છોટાનાગપુર ટેનન્સી એક્ટ, 1908 અને સંથાલ પરગણા ટેનન્સી એક્ટ, 1949માં સુધારા માટે ઝારખંડ વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલા બિલને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

આ બિલમાં આદિવાસીઓને તેમની જમીનનો વ્યાપારી ઉપયોગ કરવા માટેના અધિકારો આપવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જમીનની માલિકી બદલાતી નથી.

દ્રૌપદી મુર્મૂના જીવન વિશે

મુર્મૂએ પોતાના જીવનમાં હંમેશા સંઘર્ષ કર્યો છે. પહેલા તેમણે અભ્યાસ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને બાદમાં પરિવારમાં જે દુઃખદ ઘટનાઓ બની તેનાથી તેઓ ભાંગી પડ્યા હતા. જોકે તેમણે સમાજસેવામાં પોતાનું મન પરોવી લીધું હતું. ઓડિશા વિધાનસભાએ તેમને 2007ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેઓ ઓડિશા સરકારમાં પરિવહનત, વાણિજ્ય, મત્સ્ય પાલન તથા પશુપાલન જેવા મંત્રાલયો સંભાળવાનો અનુભવ ધરાવે છે.

દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના રાયરંગપુરના બૈદાપોસી વિસ્તારના ઉપરબેડા ગામમાં એક સંતાલી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડૂ હતું અને તેઓ એક ખેડૂત હતા. દ્રૌપદી મુર્મૂને 2 ભાઈઓ છે જેમના નામ ભગત ટુડૂ અને સરૈની ટુડૂ છે. 

તેમનું બાળપણ ખૂબ જ અભાવોમાં વિત્યું હતું પરંતુ તેમણે પોતાની સ્થિતિને મહેનતની આડે નહોતી આવવા દીધી. તેમણે ભુવનેશ્વર ખાતેની રમાદેવી વુમન્સ કોલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના લગ્ન શ્યામાચરણ મુર્મૂ સાથે કરવામાં આવ્યા હતા. તેમણે લગ્ન બાદ 2 દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો અને દીકરીને ભણાવવા માટે તેઓ શિક્ષક બની ગયા હતા. 

દ્રૌપદી મુર્મૂના જીવનના 5 વર્ષ ખૂબ જ કઠિન રહ્યા હતા અને એ સમય દરમિયાન તેમનો હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો હતો. 27 ઓક્ટોબર 2009ના રોજ સવારે ભુવનેશ્વરના પત્રપદા વિસ્તારમાં એક 25 વર્ષીય યુવાન ઘરે પથારીમાં બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. ઘરવાળાઓ તેને બચાવવા માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો. તે મૃતદેહ લક્ષ્મણ મુર્મૂનો હતો અને તેઓ પૂર્વ મંત્રી દ્રૌપદી મુર્મૂના દીકરા હતા. 

લક્ષ્મણ મુર્મૂનું મૃત્યુ રહસ્ય જ બની રહ્યું અને આજ સુધી તેનો ખુલાસો નથી થયો. દ્રૌપદી મુર્મૂ તે સમયે રાયરંગપુરમાં હતા અને લક્ષ્મણ પોતાના કાકા-કાકી સાથે રહેતા હતા. સાંજે તેઓ પોતાના મિત્રો સાથે બહાર ગયા હતા અને મોડી રાતે મિત્રો તેમને એક રીક્ષામાં ઘરે મુકી ગયા હતા. તે સમયે તેમની તબિયત ખરાબ હોવાથી કાકા-કાકીએ લક્ષ્મણના મિત્રોને તેમને રૂમમાં સુવડાવી આપવા માટે કહ્યું હતું. તે સમયે ઘરના લોકોને થાકના કારણે એમ બન્યું હોવાનું લાગ્યું હતું પરંતુ સવારે તેઓ પથારીમાં અચેતન અવસ્થામાં મળી આવ્યા હતા. 

હજું લક્ષ્મણના મૃત્યુના આઘાતમાંથી બહાર નહોતા આવી શક્યા ત્યાં 2013માં દ્રૌપદી મુર્મૂના બીજા દીકરાનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. માત્ર 4 વર્ષમાં દ્રૌપદી મુર્મૂના 2 જુવાન દીકરાઓના મોત થયા હતા અને તેઓ અંદરથી સાવ ભાંગી પડ્યા હતા. 

આ પીડામાંથી બહાર આવવા માટે તેમણે આધ્યાત્મનો સહારો લીધો હતો અને તેઓ રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થામાં જવા લાગ્યા હતા. બ્રહ્માકુમારીમાં તેઓ અનેક દિવસો સુધી ધ્યાન કરતા હતા અને તણાવમાંથી બહાર આવવા માટે તેઓ રાજયોગ શીખ્યા હતા. ઉપરાંત તેઓ સંસ્થાના અનેક કાર્યક્રમોમાં પણ સહભાગી બનવા લાગ્યા હતા. 

બે દીકરાઓના મૃત્યુનું દુઃખ ઓછું પણ નહોતું થયું ત્યાં 2014ના વર્ષમાં દ્રૌપદીના પતિ શ્યામાચરણ મુર્મૂનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે, શ્યામાચરણ મુર્મૂને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ બેંકમાં કામ કરતા હતા. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *